સુરતના મહિધરપુરાની કંસારા શેરીમાં ભરબપોરે રોકડા રૂ.1.63 કરોડની લૂંટ

– હીરાબજારમાં જવેલરને સોનુ વેચી પેમેન્ટના પૈસા લઈ જતા વરાછાના બુલીયન વેપારીને ચપ્પુ બતાવી મોપેડ સવાર ત્રણ જણા થેલા લૂંટી ગયા

– લૂંટારું છેલ્લે અમિષા હોટલથી લાલ દરવાજાની હોસ્પિટલ તરફ જતા નજરે પડયા

સુરત, : સુરતના મહિધરપુરા કંસારા શેરીમાં આજે ભરબપોરે રોકડા રૂ.1.63 કરોડની લૂંટની ઘટનાને પગલે શહેરભરની પોલીસ દોડતી થઈ ગઈ હતી. મહિધરપુરા હીરાબજારમાં જવેલરને સોનુ વેચી પેમેન્ટના પૈસા લઈ જતા વરાછાના બુલીયન વેપારી મોપેડ પર સોનાના વેપારીના માણસ સાથે જતા હતા ત્યારે મોપેડ પર આવેલા ત્રણ અજાણ્યા ચપ્પુની અણીએ રોકડા ભરેલા બે થેલા લૂંટી લાલ દરવાજા તરફ ફરાર થઈ જતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મહારાષ્ટ્રના સાંગલીના ખાનાપુરના પારે ગામના વતની અને સુરતમાં વરાછા હીરાબાગ લક્ષ્મી હોટલની સામે તપશિલ ઘર નં.19 માં રહેતા 38 વર્ષીય શરદભાઈ લક્ષ્મણભાઈ સોલંકર વરાછા લંબે હનુમાન રોડ માતાવાડી ભગુનગર ખાતે દુકાન નં.235 માં અંબિકા બુલીયનન નામે સોનાચાંદીનો જથ્થાબંધ વેપાર કરે છે. આજે સવારે 11 વાગ્યે તે અમરેલી લાઠીના દામનગરના વેપારી દિલીપભાઈ દેવસંગભાઇ આલગીયાએ વરાછા મીનીબજાર સ્થિત પી.શૈલેશ આંગડીયામાં મોકલેલું 4300 ગ્રામ સોનું વરાછા ખોડીયારનગર સ્થિત એમ ટુ એમ કાપડની દુકાનના માલિક નિલેશભાઈ જાદવાણી પાસેથી મેળવી તેમના માણસ દરબાર સાથે મહિધરપુરા હીરાબજાર રંગરેજ ટાવર દુકાન નં.2 માં મુન સ્ટાર જવેલર્સના સાગરભાઈને આપવા નીકળ્યા હતા. તેમણે દરબારને કંસારા શેરીના નાકે ઉતારી દીધો હતો અને પોતાનું મોપેડ લઈ સાગરભાઈને સોનુ આપી તેમણે આપેલા રોકડા રૂ.1,63,48,300 પૈકી રૂ.1 કરોડ એક બેગમાં અને રૂ.63.25 લાખ બીજી બેગમાં મુક્યા હતા. જયારે બાકીના રૂ.23,300 તેમણે ખિસ્સામાં મુક્યા હતા.

પૈસા લઈને તે દરબાર પાસે પહોંચ્યા હતા અને તેને રૂ.63.25 લાખ ભરેલો થેલો આપી તેને મોપેડ પર બેસાડી કંસારા શેરીમાં વચ્ચે પહોંચ્યા ત્યારે સફેદ મોપેડ પર ત્રણ અજાણ્યા તેમની બાજુમાં આવ્યા હતા અને દરબાર પાસેનો થેલો ખેંચતા થેલો રોડ પર પડી ગયો હતો. આથી શરદભાઈએ મોપેડ ઉભું રાખ્યું હતું. તે સમયે જ ત્રણેયે મોપેડ તેમની પાસે લાવી ઉભું રાખી તે પૈકી બે હાથમાં ચપ્પુ સાથે તેમની તરફ આવતા શરદભાઈ અને દરબાર ગભરાઈને પૈસાના થેલા મોપેડ પર જ મૂકી મોપેડ પણ ત્યાં જ મૂકી તેની પાછળ ચાલ્યા ગયા હતા. શરદભાઈ અને દરબારે બુમાબુમ કરી હતી. પરંતુ ચપ્પુ લઈ આવેલા બે અજાણ્યાએ પૈસા ભરેલા બંને થેલા લઈ લીધા હતા અને દોડીને તેમના સાથી સાથે મોપેડ પર બેસી ભાગતા શરદભાઈએ તેમના મોપેડ પાછળ દોટ મૂકી હતી. પણ તેમનો પગ લપસી જતા તે રોડ પર પડી ગયા હતા. ત્રણેય મોપેડ ઉપર કંસારા શેરીના નાકેથી અમિષા ચાર રસ્તા તરફ ભાગી છૂટ્યા હતા.

શરદભાઈ અને દરબારે તેમની શોધખોળ કરી હતી. પણ તેઓ નહીં મળતા દરબારે નિલેશભાઈને જાણ કરતા તે ત્યાં દોડી આવ્યા હતા અને તેમની સાથે વાતચીત બાદ શરદભાઈએ મહિધરપુરા પોલીસ સ્ટેશન પહોંચી બનાવની જાણ કરતા રોકડા રૂ.1,63,25,000 ની લૂંટની જાણ થતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. મહિધરપુરા પોલીસે તરત જ સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારુઓના સગડ મેળવવા તજવીજ શરૂ કરી હતી. તેમાં લૂંટારુઓ મોપેડ પર અમિષા હોટલથી લાલ દરવાજા સિમ્સ હોસ્પિટલ તરફ જતા છેલ્લે નજરે ચઢ્યા હતા. બનાવની જાણ થતા મહિધરપુરા પોલીસની સાથે ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s