મધ્યપ્રદેશની કુખ્યાત મુરૈના ગેંગના 6 પકડાયા, સુરતના બે સહિત છ ગુનાના ભેદ ઉકેલાયા

– વરાછા ઉતરાણ બ્રિજ નીચે રીક્ષામાં પકડાયેલી ગેંગ પાસેથી ક્રાઈમ બ્રાન્ચને બે લોડેડ તમંચા, પિસ્તોલ, ત્રણ કારતૂસ મળ્યા

– બે વર્ષ અગાઉ પરવત પાટીયા ક્રિષ્ના સર્કલ નજીક વિધાતા જવેલર્સમાંથી દાગીના-રોકડ મળી રૂ.12.14 લાખની લૂંટ કરી હતી : 10 દિવસ અગાઉ વરાછામાં મની ટ્રાન્સફરનું કામ કરતા યુવાન પર હુમલો કરી રોકડા રૂ.90 હજાર, મોબાઈલ ફોન અને બાઈક મળી રૂ.1.11 લાખની મત્તા લૂંટી હતી

સુરત, : સુરત ક્રાઈમ બ્રાન્ચે મોટા વરાછા ઉતરાણ બ્રિજ નીચે રીક્ષામાંથી મધ્યપ્રદેશની કુખ્યાત મુરૈના ગેંગના છ સાગરીતને બે લોડેડ તમંચા, એક પિસ્તોલ, ત્રણ કારતુસ સાથે ઝડપી પાડી સુરતની બે લૂંટ સહિત છ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. ગેંગે બે વર્ષ અગાઉ પરવત પાટીયા ક્રિષ્ના સર્કલ નજીક વિધાતા જવેલર્સમાંથી દાગીના-રોકડ મળી રૂ.12.14 લાખની લૂંટ કરી હતી. 10 દિવસ અગાઉ વરાછામાં મની ટ્રાન્સફરનું કામ કરતા યુવાન પર હુમલો કરી રોકડા રૂ.90 હજાર, મોબાઈલ ફોન અને બાઈક મળી રૂ.1.11 લાખની મત્તા લૂંટી હતી.

ક્રાઈમ બ્રાન્ચે મળેલી બાતમીના આધારે મોટા વરાછા ઉતરાણ બ્રિજ નીચે રીક્ષામાંથી મધ્યપ્રદેશના મુરૈનાની કુખ્યાત ગેંગના શિવા બ્રિજેશસીંગ ચૌહાણ, રીન્કુ રાજારામ જગનેરીયા, લાલુ રામદાસ વાલ્મીક, મહેન્દ્ર ઉર્ફે મોનુ રામબરન રાઠોડ, અરૂણસીંગ ઉર્ફે જાગીન્દર રાકેશસીંગ સૌકરવાર અને બનવારી સીયારામ જાટપને એક પિસ્તોલ, બે લોડેડ તમંચા અને ત્રણ જીવતા કારતુસ સાથે ઝડપી લીધા હતા. ઘાતક હથિયારો સાથે ઝડપાયેલા તમામ વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો નોંધી તેમની વધુ પુછપરછ કરતા ગેંગે બે વર્ષ અગાઉ દિવાળીના આગલા દિવસે કાળી ચૌદશે પરવત પાટીયા ક્રિષ્ના સર્કલ નજીક આવેલા વિધાતા જ્વેલર્સમાં રાત્રે ત્રાટકી જવેલરના લમણે પિસ્તોલ મૂકી રૂ.12.14 લાખના સોનાચાંદીના દાગીના અને રોકડની લૂંટ કર્યાની કબૂલાત કરી હતી.

આ જ ગેંગે દશ દિવસ અગાઉ સુરતના વરાછા મારુતિ ચોક ભરતનગર સોસાયટીમાં મની ટ્રાન્સફરનું કામ કરતો યુવાન ઓફિસ બંધ કરી ઘરે જવા બાઈક શરૂ કરતો હતો ત્યારે જ પાછળથી આવી હુમલો કરી રોકડા રૂ.90 હજાર, મોબાઈલ ફોન અને બાઈક મળી રૂ.1.11 લાખની મત્તા લૂંટી લીધી હતી. ગેંગે બે લૂંટ ઉપરાંત કતારગામ, વરાછા, કાપોદા અને પુણા વિસ્તારમાં થયેલી બાઈક ચોરીની પણ કબુલાત કરી હતી. આ તમામ બાઈક લૂંટના ગુનામાં કામે ઉપયોગમાં લીધા બાદ બિનવારસી હાલતમાં મુકી દેતા હતા. ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલી ગેંગમાં સામેલ શિવા પ્રતાપસિંગ નવ મહિના પહેલા મધ્યપ્રદેશથી મિત્ર હેમસીંગ સાથે હથિયારો વેચવા માટે સુરત આવ્યો હતો. પરંતુ હેમસીંગ હથિયાર સાથે પકડાઈ જતા તે ભાગી ગયો હતો. ક્રાઈમ બ્રાન્ચે ગેંગ પાસેથી હથિયારો, પાંચ મોબાઈલ ફોન, રીક્ષા, બે બાઈક મળી કુલ રૂ.2,43,800 નો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વિધાતા જવેલર્સની લૂંટમાં સામેલ એક લૂંટારુનું મધ્યપ્રદેશમાં લૂંટ દરમ્યાન ફાયરિંગમાં મોત થયું હતું

ક્રાઈમ બ્રાન્ચની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે વિધાતા જવેલર્સમાં લૂંટ કર્યા બાદ તમામ સરખા ભાગે હિસ્સો લઈને મધ્યપ્રદેશ ભાગી ગયા હતા અને લૂંટનો મુદામાલ ત્યાં સોનીને વેચ્યો હતો. ત્યારબાદ આ ગેંગે મધ્યપ્રદેશમાં એક દુકાનમાં લૂંટ કરી હતી. તે દરમ્યાન થયેલા સામસામા ફાયરીંગમાં વિધાતા જવેલર્સની લૂંટમાં સામેલ લલ્લુ મોતને ભેટ્યો હતો.

વતનથી જ હથિયારો સાથે આવી મુરૈના ગેંગ જ્યાં લૂંટ કરવાની હોય ત્યાં રૂમ ભાડે રાખી બાઈક ચોરી બરાબર રેકી કરે છે

મુરૈના ગેંગ વતનથી જ હથિયારો સાથે આવી જ્યાં લૂંટ કરવાની હોય ત્યાં રૂમ ભાડે રાખી સૌથી પહેલા બાઈક ચોરી કરે છે. ત્યાર બાદ જ્યાં લૂંટ કરવાની હોય તે દુકાનની દિવસ દરમિયાન બરાબર રેકી કરી પોતાની ઓળખ છતી ન થાય તે માટે મોઢે રૂમાલ કે હેલ્મેટ પહેરી રાતે સોના-ચાંદીના દાગીનાના શોરૂમ તેમજ મની ટ્રાન્સફરની દુકાનોને ટાર્ગેટ કરી હથિયારો બતાવી લૂંટ કરે છે. લૂંટ બાદ તેઓ લૂંટમાં વાપરેલું બાઈક બિનવારસી મુકી પરત મધ્યપ્રદેશ ભાગી જાય છે.

વિધાતા જવેલર્સમાં લૂંટ કરનાર બે લૂંટારુ બાદમાં સુરત આવી ઓળખ બદલી હીરા ઘસવા લાગ્યા હતા

બે વર્ષ અગાઉ વિધાતા જવેલર્સમાં લૂંટ કરનાર લૂંટારુઓ પૈકી બે લૂંટારુ અરૂણસીંગ ઉર્ફે જોગીંન્દર સીકરવાર અને બનવારી જાટ૫ લૂંટ બાદ અન્ય સાથીઓ સાથે વતન ભાગી ગયા હતા. પણ બાદમાં નહીં પકડાતા તેઓ ફરી સુરત આવ્યા હતા અને પોતાની ઓળખ બદલી વરાછામાં જ હીરા ઘસવા લાગ્યા હતા.

કોણ કોણ પકડાયું

(1) શિવા બ્રિજેશીંગ ચૌહાણ ( ઉ.વ.26,રહે.ઘર નં.579, સત્યનારાયણ સોસાયટી, ઉદયવીરસીંગ તોમરના મકાનમાં, કાપોદ્રા, સુરત. મુળ રહે.ગામ.મઉ, તા.ગુરો, જી.ઓહરીયા, ઉત્તરપ્રદેશ )
(2) રીન્કુ રાજારામ જગનેરીયા ( ઉ.વ.21, રહે.પ્લોટ નં.એ/9, પહેલો માળ, જવાહર સોસાયટી, સહજાનંદની બાજુમાં, નિલકંઠ ચોકની પાછળ, વરાછા, સુરત. મુળ રહે.ગામ.લોરીકાપુરા-મોજાડોમપુરા, તા.શિવલાઈન, જી.મુરૈના, મધ્યપ્રદેશ )
(3) લાલુ રામદાસ વાલ્મીક ( ઉ.વ.23, રહે.પ્લોટ નં.એ/9, પહેલો માળ, જવાહર સોસાયટી, સહજાનંદની બાજુમાં, નિલકંઠ ચોકની પાછળ, વરાછા, સુરત. મુળ રહે.ગામ.ગોપાલપુરા, જી.મુરૈના, મધ્યપ્રદેશ )
(4) મહેન્દ્ર ઉર્ફે મોનુ રામબરન રાઠોડ ( ઉ.વ.28, રહે.મકાન નં.210, જમના એપાર્ટમેન્ટ, સહજાનંદ સોસાયટી-2, વરાછા, સુરત, મુળ રહે.પોરસા પોલીસ સ્ટેશનની સામે, ગંગારામની ગલીમાં, જી.મુરૈના, મધ્યપ્રદેશ )
(5) રત્નકલાકાર અરૂણસીંગ ઉર્ફે જોગીંન્દર રાકેશસીંગ સીકરવાર ( ઉ.વ.29, રહે. રમેશભાઇના મકાનમાં, અંબિકાનગર સોસાયટી, લંબેહનુમાન રોડ, વરાછા, સુરત. મુળ રહે. ગામ ખાણોલી, તા.જોરા, જી.મુરૈના, મધ્યપ્રદેશ )
(6) રત્નકલાકાર બનવારી સીયારામ જાટ૫ ( ઉ.વ.24, રહે.મકાન નં.એફ-20, શુભમભાઇના મકાનમાં, શક્તિકૃપા સોસાયટી, મારૂતિચોક, લાભેશ્વર, કાપોદ્રા, સુરત. મુળ રહે.ખીરીયા ગામ, જી.મુરૈના, મધ્યપ્રદેશ )

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s