સિટીલાઈટમાં રૂ.15.25 લાખની લૂંટમાં ટીપ આપનાર 12 વર્ષનો ટાબરીયો


– વૃદ્ધ વેપારીએ જેને દુકાન વેચી હતી ત્યાં કામ કરતા ટાબરીયાના ભાઈ દેવેન્દ્ર શર્માએ બે મિત્રો ત્રીજા પ્રયત્ને લૂંટ કરી હતી

– ક્રાઈમ બ્રાન્ચે બાળકના ભાઈને મહારાષ્ટ્રના અકોલાથી ઝડપી લીધો, જયારે તેનો મિત્ર ઉધનામાંથી ઝડપાયો : અકોલાથી આવેલો મિત્ર હજુ ફરાર

સુરત, : સુરતના સિટીલાઇટ વિસ્તારમાં શુક્રવારે રાત્રે કારમાં જતા યુવાન અને તેના વયોવૃદ્ધ નાના પર મરચાની ભુકી નાંખી રોકડા રૂ.15.25 લાખની લૂંટ કરનાર ત્રણ પૈકી મુખ્ય સૂત્રધાર સહિત બે ની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી રોકડા રૂ.4.83 લાખ, સોનાની ચેઇન, વીંટી, બે મોબાઈલ ફોન, લૂંટમાં વપરાયેલું મોપેડ વિગેરે મળી કુલ રૂ.6.94 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. લૂંટની ટીપ આપનાર માત્ર 12 વર્ષનો ટાબરીયો હોવાનું બહાર આવ્યું છે.

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સિટીલાઇટ વિસ્તારમાં શુક્રવારે રાત્રે કારમાં જતા 18 વર્ષીય યશ જેઠાનંદ અબુરાની અને તેના વયોવૃદ્ધ નાના 80 વર્ષીય આનંદ લાલચંદ પંજાબી પર મરચાની ભુકી નાંખી રોકડા રૂ.15.25 લાખની લૂંટ કરી ત્રણ અજાણ્યા મોપેડ પર ફરાર થઈ ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચે આ બનાવમાં મહારાષ્ટ્રના અકોલાના તુમસરથી દેવેન્દ્ર ઉર્ફે દેવા ઇશ્વર શર્મા ( ઉ.વ.22, રૂમ નં.3, ત્રીજા માળે, કાઠીયાવાડીના મકાનમાં, હીરાનગર સોસાયટી, ચોર્યાસી ડેરીની બાજુમાં, પરવતગામ, સુરત. મુળ રહે. ઘર નં.14, ગલી નં.5, વિઠ્ઠલનગર, બડી ઉમરી, વિઠ્ઠલ મંદિરની પાસે, કોલા, મહારાષ્ટ્ર ) ને ઝડપી પાડી તેની પાસેથી રોકડા રૂ.4.83 લાખ, રૂ.1,63,431 ની મત્તાની સોનાની ચેઇન અને વીંટી, મોબાઈલ ફોન અને લૂંટમાં વપરાયેલું મોપેડ સુરતના તેના ઘરેથી કબજે કરી કુલ રૂ.6,86,431 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

તેની પુછપરછના આધારે લૂંટમાં સામેલ મોહંમદ આઝમ મોહંમદ ફારૂક અન્સારી ( ઉ.વ.36, રહે. ફ્લેટ નં.202, અસલમ ચેમ્બર, અંબર કોલોની, એ.પી માર્કટ સામે, ઉધના, સુરત. મુળ રહે. તારતલા, હાદીરાજા બીડીવાલે ફેક્ટરીની બાજુમાં, જી. જોનપુર, ઉત્તરપ્રદેશ ) ને ઉધના મેઇન રોડ એ.પી માર્કેટ નજીકથી પકડી પાડી તેની પાસેના બેગમાંથી બે પાસબુક તથા ત્રણ ચેકબુક, નોટબુક, બે ડાયરી, ફાઇલ-બીલો, રૂ.10 હજારની કિંમતનો મોબાઇલ વિગેરે મળી કુલ રૂ.10,200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.સુરતના માર્કેટમાં સાડીની દલાલીનું કામ કરતા દેવેન્દ્ર ઉર્ફે દેવા શર્મા અને કારીગરો બેસાડી દરજીકામ કરતા મોહંમદ આઝમ અન્સારીની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે લૂંટની યોજના દેવેન્દ્રએ બનાવી હતી.

દેવેન્દ્રનો 12 વર્ષનો ભાઈ છેલ્લા એક વર્ષથી પશુપતિ માર્કેટમાં વેપારી મુકેશભાઈ રાઠીની દુકાનમાં કામ કરે છે. લૂંટનો ભોગ બનેલા વયોવૃદ્ધ વેપારી આનંદ પંજાબીએ તેમની દુકાન મુકેશભાઈ રાઠીને જ વેચી હતી.બાનાની રકમ આપ્યા બાદ બાકીની રકમ મહિના પછી રોકડામાં આપવાના છે તેવી માહિતી દેવેન્દ્રને તેના નાના ભાઈએ મહિના અગાઉ આપી હતી. આથી દેવેન્દ્રએ રોકડ લૂંટવાની યોજના બનાવી હતી અને નાના ભાઈને તે રકમ મુકેશભાઈ વેપારીને આપે અને તે રકમ લઈ ઘરે જાય ત્યારે જાણ કરવા કહી લૂંટને અંજામ આપવા અગાઉ સાડીનો વેપાર કરતા મિત્ર મોહંમદ આઝમ અન્સારી અને ગામમાં રહેતા પોતાના મિત્ર ગૌરવ મનોહર બનકરને સામેલ કર્યા હતા. દેવેન્દ્રએ ગૌરવને સુરત બોલાવ્યો હતો.

બનાવની રાત્રે મુકેશભાઈએ આપેલા પૈસા લઈ વયોવૃદ્ધ વેપારી ઘરે જવા નીકળ્યા તેની જાણ નાના ભાઈએ કરતા જ દેવેન્દ્ર, મોહંમદ આઝમ અન્સારી અને ગૌરવ સાથે મળી પીછો કરી તક મળતા આંખમાં મરચાંની ભુકી નાંખી લૂંટી લીધા હતા. લૂંટ કર્યા બાદ દેવેન્દ્ર તેના નાના ભાઈ અને ગૌરવ સાથે વતન ભાગી છૂટ્યો હતો. જયારે મોહંમદ આઝમ અન્સારીએ લૂંટમાં વકરાના પાકીટમાંથી મળેલા રૂ.36 હજાર બીજા દિવસે બેંકમાં પોતાના એકાઉન્ટમાં જમા કરાવી દીધા હતા.

બે વખત રૂ.25 લાખ લઈ નીકળેલા વયોવૃદ્ધ વેપારી સીધા ઘરે જતા તેમને લૂંટી ન શક્યા

વેપારી મુકેશ રાઠી સાથે દુકાનનો સોદો થયા બાદ બાના પેટે રકમ લીધા પછી રોકડ રકમ રૂ.65 લાખ પૈકીના રૂ.25 લાખ લઈ વયોવૃદ્ધ વેપારી આનંદ પંજાબી 24 નવેમ્બરે દુકાનેથી નીકળ્યા તેની જાણ નાના ભાઈએ દેવેન્દ્રને કરતા દેવેન્દ્રએ તેના બે મિત્રો સાથે મળી પીછો કર્યો હતો. પરંતુ આનંદભાઈ સીધા ઘરે જતા તે દિવસે લૂંટ કરી શક્યા નહોતા. બીજા દિવસે પણ આનંદભાઈ રૂ.25 લાખ લઈ નીકળ્યા હતા અને તેની જાણ થતા ફરી તેમનો પીછો કર્યો હતો. પરંતુ તે દિવસે પણ તે સીધા ઘરે જતા ફરી દેવેન્દ્ર અને મિત્રો ફાવ્યા નહોતા. ત્રીજા દિવસે આનંદભાઈ રૂ.15 લાખ લઈ નીકળ્યા તે સમયે તેમને જાણ કરાઈ હતી કે આ છેલ્લો મોકો છે. આથી તેમનો પીછો કરી લૂંટી લીધા હતા.


લૂંટના બીજા દિવસે વેપારીને કોલ કર્યો, પિતાને એટેક આવ્યો છે તેમને મુંબઈ લઈ જઈએ છીએ

12 વર્ષના નાના ભાઈની ટીપના આધારે લૂંટની યોજનાને અંજામ આપ્યા બાદ વતન અકોલા ભાગી ગયા બાદ દેવેન્દ્રએ લૂંટના બીજા દિવસે વેપારી મુકેશ રાઠીને ફોન કરી કહ્યું મારા પિતાને હાર્ટ એટેક આવ્યો છે તેમને મુંબઈ લઈ જઈએ છીએ, તેથી મારો ભાઈ રજા પર છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s