રાજસ્થાનમાં અફીણના ડોડાના ભૂકાના વેપારનું મોટું માથું ભગવતીપ્રસાદ સુરતથી ઝડપાયો

– NCB એ દોઢ વર્ષ અગાઉ ઝડપેલા રૂ.1.75 કરોડના અને ચિત્તોડગઢ પોલીસે ઝડપેલા રૂ.1.30 કરોડના અફીણના ડોડાના કેસમાં વોન્ટેડ હતો

– બે મહિના બાદ પુત્રના લગ્ન હોય ખરીદી માટે પરિવાર સાથે ટ્રેનમાં સુરત આવતા સ્ટેશનની બહાર બહારથી ઝડપી લેવાયો

સુરત, : રાજસ્થાનમાં અગાઉ કાયદેસર ગણાતા પરંતુ છ વર્ષ અગાઉ સરકારે પ્રતિબંધ મુકતા ગેરકાયદેસર જાહેર થયેલા અફીણના ડોડાના ભૂકા ( પોપી સ્ટ્રો પાવડર ) ના વેપારમાં મોટું માથું ગણાતા ભગવતીપ્રસાદ બિસ્નોઈને સુરત એસઓજીએ મંગળવારે સાંજે સુરત રેલવે સ્ટેશન બહારથી ઝડપી લીધો હતો. NCB એ દોઢ વર્ષ અગાઉ ઝડપેલા રૂ.1.75 કરોડના અને ચિત્તોડગઢ પોલીસે ઝડપેલા રૂ.1.30 કરોડના અફીણના ડોડાના ભૂકા સંદર્ભે વોન્ટેડ ભગવતીપ્રસાદ બિસ્નોઈ બે મહિના બાદ પુત્રના લગ્ન હોય ખરીદી માટે પરિવાર સાથે ટ્રેનમાં સુરત આવ્યો અને રેલવે સ્ટેશનની બહાર નીકળ્યો તે સાથે જ સુરત એસઓજીએ ઝડપી પાડી તેનો કબજો રાજસ્થાન પોલીસને સોંપ્યો છે.

એસઓજીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરને મળેલી હકીકતના આધારે એસઓજી પીઆઈ આર.આર.સુવેરા, પીએસઆઈ વી.સી.જાડેજા અને સ્ટાફે ગતસાંજે સુરત રેલવે સ્ટેશનની બહાર વોચ ગોઠવી હતી અને ટ્રેનમાંથી ઉતરી પરિવાર સાથે સ્ટેશનની બહાર નીકળેલા ભગવતીપ્રસાદ ઉર્ફે ભગીરથ જાની ઉર્ફે ભાગી જોરારામ બિસ્નોઈ ( ઉ.વ.44, રહે.21, શિવશક્તિ નગર, એમ.ઈ.એસ.પાવર હાઉસની પાસે, એરફોર્સ, જી.જોધપુર, રાજસ્થાન અને ગેનીરો કી ઢાણી, રામદેવ નગર, ભોજકોર, જી.જોધપુર, રાજસ્થાન ) ને ઝડપી લીધો હતો. રાજસ્થાનમાં અગાઉ કાયદેસર ગણાતા અફીણના ડોડાના ભૂકા ( પોપી સ્ટ્રો પાવડર ) ના વેપારમાં ભગવતીપ્રસાદ વર્ષ 2002 થી 2015 સુધી સરકારી કોન્ટ્રાકટ મેળવી અફીણના ડોડાના ભૂકાની ખરીદી કરી નાના વેપારીઓને વેચાણ કરતો હતો. પરંતુ છ વર્ષ અગાઉ રાજસ્થાન સરકારે પ્રતિબંધ મુકતા ગેરકાયદેસર જાહેર થયેલા અફીણના ડોડાના ભૂકાના વેપારમાં મોટું માથું ગણાતા ભગવતીપ્રસાદે તેના કાયદેસર નેટવર્કને ગેરકાયદેસર વેપારના નેટવર્કમાં તબદીલ કરી દીધું હતું અને અફીણની ગેરકાયદેસર ખેતી કરનારાઓ પાસેથી અફીણ ખરીદી વેચવા માંડયો હતો.

NCB એ ગત 1 જૂન 2020 ના રોજ કોટા હાઇવે પરથી એક ટ્રકને અટકાવી જડતી લેતા તેમાં હળદરની અંદર છુપાવેલો રૂ.1,74,60,000 ની કિંમતનો 58.200 કવીન્ટલ અફીણના ડોડાના ભૂકો મળ્યો હતો. તેમાં તેનું નામ ખુલતા વોન્ટેડ જાહેર કરાયો હતો. ચિત્તોડગઢ પોલીસે પણ ચાલુ વર્ષે એક ટ્ર્ક આંતરી તેમાં ઘઉં ભરેલી ગુણીની પાછળ છુપાવેલો રૂ.1,30,46,400 ની કિંમતનો 43 કવીન્ટલ 48 કિલોગ્રામ 800 ગ્રામ અફીણના ડોડાના ભૂકો મળ્યો હતો. તેમાં પણ તેનું નામ ખુલતા વોન્ટેડ જાહેર કરાયો હતો. વર્ષ 2008 માં જોધપુરમાં આર્મ્સ એક્ટના ગુનામાં અને વર્ષ 2014 માં અજમેરમાં રાયોટીંગ, સરકારી કર્મચારી પર હુમલો અને આર્મ્સ એક્ટના ગુનામાં ઝડપાયેલા ભગવતીપ્રસાદ વિરુદ્ધ ચાલુ વર્ષે જેસલમેરમાં હત્યાનો પ્રયાસનો ગુનો પણ નોંધાતા અને 10 વર્ષ અગાઉ ચિત્તોડગઢમાં નોંધાયેલા એનડીપીએસ એક્ટના ગુનામાં કોર્ટે ભાગેડુ જાહેર કરતા તે પોલીસથી બચવા નાસતો ફરતો હતો.

જોકે, બે મહિના બાદ પુત્રના લગ્ન હોય તે ખરીદી માટે પરિવાર સાથે સુરત આવ્યો હતો અને પોલીસ કમિશનરને મળેલી બાતમીના આધારે એસઓજીએ તેને રેલવે સ્ટેશન બહારથી ઝડપી પાડી બાદમાં તેનો કબજો રાજસ્થાન પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી હતી. એસઓજી તેના સુરતમાં કોઈ સંપર્કો છે કે કેમ ? તે અંગે તપાસ કરશે.

રાજકીય વગ ધરાવતો ભગવતીપ્રસાદ વૈભવી લાઈફસ્ટાઈલનો શોખીન છે

સ્થાનિક પોલીસ તેને એકલી પકડવા જતા ગભરાતી હતી : નાના મોલ અને પેટ્રોલ પંપમાં પણ રોકાણ છે

સુરત, : ભગવતીપ્રસાદ બિસ્નોઈ રાજકીય વગ ધરાવતો હોય વર્ષો સુધી અફીણના ડોડાના ભૂકાના વેપારમાં એકહથ્થુ શાસન કરે છે. તેની માતા જીલ્લા પંચાયતની સભ્ય છે. પરિણામે સ્થાનિક પોલીસ તેને એકલી પકડવા જતા ગભરાતી હતી. પોલીસે કોમ્બિંગ હાથ ધરી પકડવા પ્રયાસ કર્યો હતો પણ તે પોતાના વિશાળ નેટવર્કને લીધે અગાઉથી જ માહિતી મળતા પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. ભગવતીપ્રસાદ વૈભવી લાઈફસ્ટાઈલનો પણ શોખીન છે. સુરત એસઓજીએ તેને પકડયો ત્યારે તેની પાસેથી રૂ.70 હજારનો એપલ 11 ફોન, રૂ.40 હજારની કિંમતનો એપલ 12 મીની ફોન અને એક સાદો મોબાઈલ ફોન મળ્યો હતો. રીબોકના શૂઝ પહેરેલા ભગવતીપ્રસાદનો પહેરવેશ કોઈ વેપારી જેવો લાગતો હતો અને તેણે સુરતમાં અગાઉથી જ હોટલમાં રૂમ બુક કર્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ તેનું નાના મોલ અને પેટ્રોલ પંપમાં પણ રોકાણ છે.

અફીણના ડોડાના ભૂકાની મારવાડી વિસ્તારોમાં ભારે માંગ

સુરત, : ભગવતીપ્રસાદ જે અફીણના ડોડાના ભૂકાનો વેપાર કરે છે તેની મારવાડી વિસ્તારોમાં ભારે માંગ રહેતી હોવાનું જાણવા મળ્યું છે. અહીં દરેક સારા નરસા પ્રસંગમાં તેમજ ધાર્મિક પ્રસંગમાં તેનું સેવન કરવામાં આવે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s