વસ્તાદેવડી રોડ પર કેમિકલના વેપારની આડમાં ચાલતું દારૂનું ગોડાઉન ઝડપાયું


– ચાંદની વિડીયો થિયેટરના ગોડાઉનમાં દરોડા : રૂ.27.15 લાખના દારૂની 6975 બોટલ-ટીન કબજે : 4 માસથી કેમિકલ ડ્રમમાં ટ્રાન્સપોર્ટ મારફતે ગોવાથી દારૂ આવતો હતો, ઈ-વે બીલ પણ બનતું હતું

– ગોડાઉન શરૂ કરનાર અને દારૂ લેવા આવેલો બ્યુટીપાર્લર સંચાલક ઝડપાયો : ગોવા અને દમણથી દારૂ મોકલતા બે અને નિયમિત દારૂ ખરીદતા 14 વોન્ટેડ

સુરત, : સુરતના વસ્તાદેવડી રોડ ચાંદની વિડીયો થિયેટરના ગોડાઉનમાં છેલ્લા ચાર મહિનાથી કેમિકલના વેપારની આડમાં ચાલતા દારૂનું ગોડાઉન ઉપર મહિધરપુરા પોલીસે છાપો મારી રૂ.27.15 લાખની મત્તાની દારૂની 6975 બોટલ-ટીન, 4 મોબાઈલ ફોન, બે બાઈક, 68 ખાલી ડ્રમ, ડીવીઆર અને રોકડા રૂ.75,100 મળી કુલ રૂ.28.42 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે સ્થળ પરથી ગોડાઉન શરૂ કરનાર અને દારૂ લેવા આવેલા બ્યુટીપાર્લર સંચાલકને ઝડપી પાડી ગોવા અને દમણથી દારૂ મોકલતા બે અને નિયમિત દારૂ ખરીદતા 14 ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મહિધરપુરા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ રામદેવસિંહ દાદુભા અને રાજેશભાઈ ડાહ્યાભાઈને મળેલી બાતમીના આધારે મહિધરપુરા પીઆઈ આર.કે.ધુળીયા અને સ્ટાફે વસ્તાદેવડી રોડ ટોરન્ટ પાવરની બાજુની ગલીમાં ચાંદની થિયેટરના ગોડાઉનમાં છાપો માર્યો હતો. પોલીસને ત્યાં બ્લ્યુ રંગના ડ્રમ મળતા તે અંગે ત્યાં હાજર રત્નકલાકાર જીગ્નેશ ઉર્ફે લાલો શશીકાંતભાઇ ડાભેલીયા ( રહે. જી/1, સૃષ્ટી એપાર્ટમેન્ટ, દેસાઇ ફળિયા, જુના કતારગામ પોલીસ સ્ટેશનની પાછળ, કતારગામ, સુરત. અને ઘર નં.06/202, પાટીબંધારાની શેરી, મંછરપુરા, દિલ્હી ગેટ, સુરત ) અને બ્યુટીપાર્લર સંચાલક સંજય સદાનંદ કર્ણીક ( ઉ.વ.48, રહે.ઘર નં.504, ધનલક્ષ્મી રેસીડન્સી, લિમડા શેરી, રામપુરા સ્વામીનારાયણ મંદીરની પાસે, હરીપુરા, સુરત ) ને પૂછતાં તેમણે ડ્રમમાં કેમિકલ હોવાનું જણાવ્યું હતું. જોકે, પોલીસે સચોટ બાતમી હોય એક ડ્રમ ખોલાવતાં તેમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી હતી.

આથી પોલીસે ગોડાઉનમાં રાખેલા આશરે 150 ડ્રમ અને 200 નંગ પુંઠાના કાર્ટૂન પોલીસ સ્ટેશન લઈ જઈ ખોલતા તેમાંથી દારૂની 6351 નંગ બોટલ અને બીયરના 624 ટીન મળી કુલ રૂ.27,15,415 ની મત્તાની દારૂની 6975 બોટલ-ટીન મળ્યા હતા. પોલીસે સ્થળ પરથી 4 મોબાઈલ ફોન, બે બાઈક, 68 ખાલી ડ્રમ, ડીવીઆર અને રોકડા રૂ.75,100 મળી કુલ રૂ.28,41,515 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે જીગ્નેશ અને સંજયની પુછપરછ કરતા જીગ્નેશે જણાવ્યું હતું કે તેણે ચાર મહિના અગાઉ આ ગોડાઉન વિપુલકુમાર માણીયા પાસેથી કેમિકલનો વેપાર કરવા ભાડે રાખ્યું હતું અને તે ત્યાં મહાલક્ષ્મી ટ્રેડર્સના નામે કેમિકલના વેપારની આડમાં ગોવા ખાતેથી શંકર સીતારામ મોરે અને દમણથી નીતિન પાસેથી ટ્રાન્સપોર્ટમાં દારૂ મંગાવતો હતો. પોલીસે દારૂ અંગે ગુનો નોંધી જીગ્નેશ ડાભેલીયા અને સંજય કર્ણીકની ધરપકડ કરી દારૂ મોકલનાર શંકર મોરે અને નીતિન તેમજ તેમની પાસેથી નિયમિત દારૂ ખરીદતા 14 ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટની જેલમાં પાસા હેઠળ મોકલાયેલા સુરતના જીગ્નેશ અને વડોદરાના શંકરની મુલાકાત થઈ હતી

કેમિકલના વેપારની આડમાં દારૂનો વેપાર શરૂ કરનાર જીગ્નેશ ડાભેલીયાની વર્ષ 2016 માં ક્રાઈમ બ્રાન્ચે અને વર્ષ 2018 માં કતારગામ પોલીસે દારૂના જથ્થા સાથે ધરપકડ કરી હતી. તેની કતારગામ પોલીસે વર્ષ 2019 માં પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલ્યો હતો. ત્યાં તેની મુલાકાત મૂળ વડોદરાના શંકર મોરે સાથે થઈ હતી. શંકર પણ વડોદરામાં છેલ્લા 15 વર્ષથી દારૂનો વેપાર કરે છે અને મકરપુરા, જે.પી.રોડ, માંજલપુર, પાદરા પોલીસ મથકમાં દારૂના જથ્થા સાથે પકડાયો હતો. વર્ષ 2012 માં પાસા હેઠળ જેલ હવાલે થયેલા શંકરની આણંદ પોલીસે 2018 માં પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલ્યો હતો. બંનેએ જેલમાંથી છૂટયા બાદ સુરતમાં દારૂનો ધંધો શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો અને તે મુજબ જીગ્નેશે કેમિકલના ધંધા માટે ગોડાઉન ભાડે રાખી ગોવામાં શંકર પાસેથી દારૂ મંગાવી વેચવા માંડયો હતો.

પોલીસની નજરમાં નહીં ચઢે તે માટે નવા લોકોને દારૂ વેચવા ઉભા કર્યા : ગોડાઉનના ડીવીઆર ઘણા રહસ્યો ખોલશે : કુલ દારૂમાંથી ગોવાથી 70 % દારૂ કેમિકલના ડ્રમમાં આવતો હતો

પોલીસથી બચવા કેમિકલના ધંધાની આડમાં દારૂનો વેપાર શરૂ કરનાર જીગ્નેશે પોલીસની નજરમાં નહીં ચઢે તે માટે પોલીસ ચોપડે ચઢી ચૂકેલા બુટલેગરોને દારૂ વેચવાને બદલે નવા લોકોને દારૂ વેચવા ઉભા કર્યા હતા. ગતરોજ પોલીસે તેની સાથે જેને ઝડપી લીધો તે સંજય પણ બ્યુટી પાર્લરનો સંચાલક છે. પોલીસે ગોડાઉનનું ડીવીઆર કબજે કર્યું છે જે ઘણા રહસ્યો ખોલશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. ગોવાથી 70 % દારૂ કેમિકલના ડ્રમમાં આવતો જયારે બાકીનો 30 % દારૂ દમણથી પુંઠાના બોક્સમાં આવતો હતો.

કોઈને શંકા નહીં જાય તે રીતે કેમિકલ ડ્રમમાં દારૂની બોટલો મૂકી બરાબર પેક કરી તેનું ઈ-વે બિલ પણ બનાવતા હતા : તમામ પેમેન્ટ આંગડીયા મારફતે મોકલાતું હતું

કેમિકલના ધંધાની આડમાં ચાલતા દારૂના વેપારમાં કોઈને શંકા નહીં જાય તે રીતે કેમિકલ ડ્રમમાં દારૂની બોટલો મૂકી બરાબર પેક કરી મોકલતા હતા. તે માટે તેઓ તેનું ઈ-વે બિલ પણ બનાવતા હતા. પોલીસને ગોડાઉનના શટર પાસે પડેલો પ્લાસ્ટીકની થેલીમાંથી જુદાજુદા બીલ મળતા તે કબજે કર્યા હતા.દારૂનું પેમેન્ટ તેઓ આંગડીયા મારફતે ગોવા અને દમણ મોકલતા હતા.

વોન્ટેડ

દારૂ મોકલનાર
(1) શંકર સીતારામ મોરે ( મુળ રહે. ગોકુળનગર, સાંઇબાબા સ્કુલની પાસે, એટલાદરા, વડોદરા તથા શિયાજી ચોક, આરાધના સિનેમાની પાછળ, ફુલબારીનાકા, વડોદરા તથા 6/10, પાલ જકાતનાકા, અડાજણ, સુરત )
(2) નિતિન ( રહે. દમણ )

દારૂ ખરીદનાર
(1) મુકેશભાઇ જી.આઇ.ડી.સી
(2) ઘનશ્યામ મામા
(3) ઉર્વીશ
(4) કરણ
(5) કેવિન શાહ
(6) વિપુલ શાહ
(7) કેયુર (એસ.ટી.સી)
(8) સંતોષ
(9) સીટી અડાજણ
(10) પુજારા
(11) નિકુંજ પટેલ અડાજણ
(12) સંદીપ સિંન્ડીકેટ
(13) એમ.એ ચેવલી શેરી
(14) ચેતન ભાણો

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s