ભાવનગરથી લકઝરીમાં સુરત આવેલા ખેડૂતના રૂ.6 લાખ કંડકટરે ચોરી લીધા


– બસ ખરીદવા થેલીમાં પૈસા લઈને નીકળ્યા છીએ શબ્દો મોંઘા પડયા

– બસ સુરતમાં પુણાના પાર્કિંગમાં પાર્ક થઈ ત્યારે કંડકટરે મિત્રને બોલાવી ચોરી કરી : બંનેની અટકાયત પણ પૈસા ક્યાં છે ? તે બોલતા નથી

સુરત, : ભાવનગરથી સેકન્ડમાં લકઝરી બસ ખરીદવા ટ્રાવેલ્સની બસમાં સુરત આવેલા ખેડૂતની વાત સાંભળી બસના કંડકટરે બસ પુણા રેશ્મા રો હાઉસ બ્રીજની બાજુમા રામદેવ પાર્કિંગમા હતી ત્યારે મિત્રને બોલાવી રૂ.6 લાખ ચોરી લીધા હતા.

ભાવનગરના જેસરના કાત્રોડી ગામમાં રહેતા 38 વર્ષીય ખેડૂત જગદીશસિંહ બાબુભા સરવૈયા અગાઉ ટ્રાવેલ્સમાં ડ્રાઈવીંગનું કામ કરતા હતા ત્યારે મિત્ર બનેલા સાવરકુંડલાના લાલાભાઈ ભવાનભાઈ રબારીએ 20 દિવસ અગાઉ લકઝરીનો સ્લીપીંગ કોચ સેકન્ડમાં ભાગીદારીમાં ખરીદી સુરતથી સાવરકુંડલા રૂટમાં ચલાવવા કહેતા તે તૈયાર થયા હતા. બસની શોધખોળ દરમિયાન વાપીમાં બસ હોય ત્યાં જઈ જોયા બાદ બે લકઝરી બસ રૂ.43 લાખમાં ખરીદવાનું નક્કી કરી પહેલા રૂ.10 લાખ આપી બાકીની રકમની લોન કરવા તેમણે નિર્ણય કર્યો હતો. આથી જગદીશસિંહ ઘરે જઈ ખેતીની આવકના રૂ.6 લાખ પ્લાસ્ટીકની થેલીમા મુકી તે કપડા ભરવાના થેલામા રાખી પાર્ટનર લાલાભાઈ રબારી તથા તેમના મિત્ર કિરીટભાઈ પ્રજાપતી સાથે ગત 28 મીની સાંજે વતનથી જય ભવાની ટ્રાવેલ્સની લકઝરી બસમા બેસી સુરત આવવા નીકળ્યા હતા. રસ્તામાં તમામે ડ્રાઈવર સીટની બાજુમાં બેસી નવી બે લકઝરી બસ ખરીદવા માટે રોકડા રૂપિયા થેલામા લઈને જઈએ છીએ તેવી વાત પણ કરી હતી.

દરમિયાન, બીજા દિવસે સવારે સાત વાગ્યે સુરત આવતા કંડકટર અલ્પેશ ઉર્ફે કાનો લાલજીભાઈ વાઘેલા ( રહે.ગાધકડા, તા.સાવરકુંડલા, જી.અમરેલી ) ઉઠાડવા આવ્યો હતો. ત્યાર બાદ લકઝરી બસ 10.30 વાગ્યે રેશ્મા રો હાઉસની બાજુમા રામદેવ પાર્કિંગના પાર્કિંગમા હતી ત્યારે ત્રણેય બસમાંથી ઉતરી ચા-પાણી કરવા ગયા ત્યારે તેમનો સામાન સીટ પર જ હતો. બાદમાં તેઓ કારમાં વાપી જવા નીકળ્યા અને નવસારી ટોલ નાકા પર પૈસા આપવા જગદીશભાઈએ થેલામાં હાથ નાખ્યો તો તેમાં પૈસા જ નહોતા. પૈસા ચોરાયાની જાણ થતા તેઓ તરત સુરત પાછા આવ્યા હતા અને રામદેવ પાર્કિંગનાં સીસીટીવી ફૂટેજ ચકાસ્યા તો તેઓ ચા-પાણી માટે ગયા હતા ત્યારે કંડકટર અલ્પેશ ઉર્ફે કાનો એક અજાણ્યા સાથે બસમાં નજરે ચઢ્યો હતો અને તેણે બસમાંથી પ્લાસ્ટીકની થેલી નીચે પણ ફેંકી હતી. ત્યાર બાદ અલ્પેશ અને તેની સાથેનો અજાણ્યો નીચે ઉતરી બાઈક પર સ્પીડમાં ચાલ્યા ગયા હતા.

આથી જગદીશભાઈએ બસમાંથી બહાર ફેંકેલી થેલી શોધી તો તેમાં તેમણે રૂ.6 લાખ સાથે પોતાના બે ફોટા રાખ્યા હતા તે મળ્યા હતા. અલ્પેશને બોલાવી પૂછતાં તેણે રસ્તામાં તેમની વાત સાંભળી મિત્ર રોહિત મુકેશભાઈ ખસીયા ( રહે.ઘર નં.107, સત્યનારાયણ સોસાયટી, કાપોદ્રા, સુરત ) સાથે મળી પૈસા ચોર્યાની કબૂલાત કરી પૈસા રોહિતને આપી દીધા હોવાનું જણાવ્યું હતું. રોહિતને ત્યાં બોલાવી પૈસા પરત આપવા કહેતા બંનેએ ઉડાઉ જવાબ આપતા છેવટે આજરોજ જગદીશભાઈએ બંને વિરુદ્ધ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેની અટકાયત કરી પૈસા અંગે પુછપરછ કરી હતી. જોકે, બંને પૈસા અંગે હજુ સ્પષ્ટ કહેતા નથી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s