હીરા વેપારીનો દિલ્હીમાં રહેતો સેલ્સમેન રૂ.1.16 કરોડના હીરા લઈ ગાયબ

– મૂળ બનાસકાંઠાના ભરત રાજપૂતે દિલ્હીમાં લોકડાઉન ખુલતા વતનથી દિલ્હી જઈ ગણતરીના દિવસોમાં સેઈફમાંથી હીરા કાઢી લીધા

સુરત, : સુરતના મહિધરપુરા જદાખાડીમાં ઓફિસ ધરાવતા મજુરાગેટના હીરા વેપારીનો દિલ્હીમાં રહેતો સેલ્સમેન રૂ.1.16 કરોડના હીરા લઈ મકાન અને મોબાઈલ ફોન બંધ કરી ફરાર થઈ જતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મૂળ બનાસકાંઠાનો ભરત રાજપૂત વેપારીને ત્યાં ચાર વર્ષથી નોકરી કરતો હતો અને દિલ્હીમાં લોકડાઉન ખુલતા વતનથી દિલ્હી જઈ ગણતરીના દિવસોમાં જ હીરા સેઈફમાંથી લઈ ગાયબ થઈ ગયો તે પહેલા તેણે દિલ્હીના ત્રણ વેપારી પાસેથી પણ હીરા વેચવા લીધા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બનાસકાંઠાના વાવના આછુવા ગામના વતની અને સુરતમાં મજૂરાગેટ કૈલાશનગર શંખેશ્વર કોમ્પ્લેક્ષ એ ટાવર અરિહંત ઘર નં.503 માં રહેતા 46 વર્ષીય અશોકભાઈ પૂનમચંદ મહેતા ભાગીદારીમાં સંસ્કાર ડાયમંડના નામે મહિધરપુરા જદાખાડી પારસ બિલ્ડીંગ 201 માં હીરાનો વેપાર કરે છે. સુરત ઉપરાંત દિલ્હી અને મુંબઈમાં વેપાર કરતા અશોકભાઈએ ચાર વર્ષ અગાઉ મૂળ બનાસકાંઠાના વાવના ટડાવ ચોથાર નેસડાના વતની ભરત ખોડાભાઈ રાજપૂતને દિલ્હી ખાતે સેલ્સમેન તરીકે રૂ.18 હજારના પગારે રાખ્યો હતો. પગાર ઉપરાંત તેના ખાવા પીવાનો અને આવવા જવાનો ખર્ચ પેઢી તેને અલગથી ચૂકવતી હતી. સુરતથી જે હીરા વેચવા દિલ્હી જતા તેને સુરક્ષીત રાખવા કારોલબાગ ગલી નં.5 માં આવેલા સરદાર સેઈફ વોલ્ટમાં રાખવામાં આવતા હતા અને તેની ચાવી ભરત પાસે હતી.

ગત 8 જૂનના રોજ દિલ્હીમાં લોકડાઉન ખુલ્યું તે અગાઉના 40 દિવસથી ભરત ગામમાં હોય તેને અશોકભાઈએ દિલ્હી જવા કહેતા તે બીજા દિવસે દિલ્હી પહોંચ્યો હતો. બજાર ચાલુ થતા અશોકભાઈએ પેઢીમાંથી ટુકડે ટુકડે 140.37 કેરેટના 86 નંગ તૈયાર હીરા આંગડીયામાં દિલ્હી ખાતે ભરતને મોકલ્યા હતા. દરમિયાન, 26 જૂને અશોકભાઈ દિલ્હી સરપ્રાઈઝ વિઝીટ માટે ગયા ત્યારે ભરતનો ફોન લાગ્યો નહોતો. અવારનવાર ફોન કરવા છતાં તેનો ફોન બંધ જ હોય અશોકભાઈએ સેઈફમાં જઈ વોલ્ટ ખોલાવ્યું તો તેમાં 63 હીરા અને ભરતનો મોબાઈલ ફોન મળ્યા હતા. જયારે રૂ.1.16 કરોડની કિંમતના 37.28 કેરેટના 23 નંગ હીરા તેમાં નહોતા.મોબાઈલ ફોનમાં સીમકાર્ડ ન હોય અશોકભાઈએ આજુબાજુમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ભરત દિલ્હીના અન્ય ચાર વેપારી જોહરી જયપુરવાલા હિતાંશુભાઈ, સિદ્ધિ વિનાયક જવેલર્સના સન્નીભાઈ અને પિરામીડ જવેલ્સના પ્રકાશભાઈ પાસેથી પણ હીરા વેચવા માટે લઈ ગયો છે.

અશોકભાઈએ ત્યાર બાદ તેના પિતાનો વતનમાં સંપર્ક કર્યો તો તેમણે સંતોષકારક જવાબ આપ્યો નહોતો. આથી અશોકભાઈએ ભરતના દિલ્હીના માનસરોવર ગાર્ડન એસ/એ-318-એ સ્થિત ઘરે તપાસ કરી તો ત્યાં માત્ર તેના કપડાં જ મળ્યા હતા. દિલ્હીના બજારમાં પણ તેની તપાસ કરાવ્યા બાદ આજદિન સુધી તેની અન્ય સ્થળોએ તપાસ કરવા છતાં તેની ભાળ નહીં મળતા છેવટે અશોકભાઈએ હાલ રૂ.27 હજારનો પગાર મેળવતા ભરત રાજપૂત વિરુદ્ધ મહિધરપુરા પોલીસ મથકમાં ઉચાપતની ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પીઆઈ આર.કે.ધુલીયા કરી રહ્યા છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s