પાર્લેપોઇન્ટની રેડીમેઇડ ગારમેન્ટ શોપમાંથી રૂ. 5.86 લાખની ચોરી કરનાર ત્રણ ઝડપાયા


– ત્રણેય રાજસ્થાની યુવાનો ચોરેલો માલ લઈ વતન રવાના થાય તે પહેલા સરદાર માર્કેટ પાસે ટ્રાવેલ્સની ઓફિસ સામેથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા


– રીઢા જસારામે સુરતમાં રહેતા ભેરારામ સાથે મળી મુંબઈ રહેતા રમેશ કુમાવત અને શૈતાનસીંગ સોલંકીને ચોરી માટે બોલાવ્યા હતા : શર્ટ, ટીશર્ટ, ટ્રેક પેન્ટ, અંડર ગારમેન્ટ, લેડીઝવેર ચોરી ગયા હતા

સુરત, : સુરતના પાર્લેપોઇન્ટ વિસ્તારના પથિક એપાર્ટમેન્ટમાં આવેલી રેડીમેઇડ ગાર્મેન્ટની દુકાનના શટરનું તાળું તોડી લેડીઝ અને જેન્ટ્સ વેર મળી કુલ રૂ. 5.86 લાખની મત્તા ચોરનાર ત્રણ રાજસ્થાની યુવાનોને સુરત ક્રાઈમ બ્રાન્ચે તેઓ રેલો માલ લઈ વતન રવાના થાય તે પહેલા સરદાર માર્કેટ પાસે ટ્રાવેલ્સની ઓફિસ સામેથી ઝડપી લીધા હતા. ક્રાઈમ બ્રાન્ચે તેમની પાસેથી રૂ.86,133 ના રેડીમેઈડ કપડાં, હોઝીયરીનો સામાન મળી કુલ રૂ.1.05 લાખનો મુદ્દામાલ કબજે કરી તેમના મુંબઈના અન્ય સાથીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પાર્લેપોઇન્ટ સ્થિત પથિક એપાર્ટમેન્ટમાં આવેલી પુનિત એન્ટરપ્રાઇઝ નામની રેડીમેઇડ કપડાની દુકાનમાં ગત 25 ઓગષ્ટની રાત્રે ત્રાટકેલા તસ્કરો દુકાનના શટરનું તાળું તોડી અંદર પ્રવેશી અલગ-અલગ કંપનીના ટી-શર્ટ 275 નંગ, શર્ટ 380 નંગ, ટ્રેક પેન્ટ 160 નંગ, હાફ પેન્ટ 70 નંગ ઉપરાંત અંડર ગાર્મેન્ટ અને લેડીઝ વેર મળી કુલ રૂ. 5.86 લાખની મત્તા ચોરીને ફરાર થઈ ગયા હતા. દુકાનના માલિક હિતેશ કિરીટ પંડયા (ઉ.વ. 36 રહે. જય જલારામ સોસાયટી, લેકવ્યુ ગાર્ડનની પાછળ, પીપલોદ અને મૂળ. જીલરીયા, તા. પડધરી, જિ. રાજકોટ) પત્ની અને સંતાનો સાથે કચ્છ ખાતે ધાર્મિક પ્રવાસે ગયા હતા. જેથી દુકાન તેમના પિતાજી સંભાળતા હતા અને તેમણે આ અંગે હિતેશને અને ત્યાર બાદ કંટ્રોલ રૂમમાં જાણ કરતા ઉમરા પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની ભાળ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.

દરમિયાન, ક્રાઈમ બ્રાન્ચે મળેલી બાતમીના આધારે સરદાર માર્કેટ પાસે ટ્રાવેલ્સની ઓફિસ સામેથી જસારામ ઉર્ફે જસરાજ ઉર્ફે જયેશ નેતીરામ રબારી ( દેવાશી ) ( ઉ.વ.28, રહે.બ્લોક નં.22, રૂમ નં.459, હાઉસીંગ બોર્ડ, ઉમરવાડા બોમ્બે માર્કેટની બાજુમાં, સુરત. મૂળ રહે. પાલી, રાજસ્થાન ), રમેશકુમાર મંગારામ કુમાવત ( ઉ.વ.21, રહે.શિવાજીનગર, સાંઈબાબા મંદિરની સામે, મલાડ, મુંબઈ. મૂળ રહે. પાલી, રાજસ્થાન ) અને ભેરારામ ઉર્ફે ભાવેશ તગારામ માળી ( ઉ.વ.28, રહે.55, દિવાળીનગર, ત્રિકમનગર પાસે, વરાછા, સુરત. મૂળ રહે.ઝાલોર, રાજસ્થાન ) ને રૂ.86,133 ની કિંમતના રેડીમેઈડ કપડાં, હોઝિયરીનાં સામાન તેમજ ત્રણ મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂ.1,05,233 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

રીઢા ગુનેગાર જસારામની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેણે સુરતમાં રહેતા ભેરારામ સાથે મળી મુંબઈના મલાડમાં રહેતા રમેશ કુમાવત અને શૈતાનસીંગ સોલંકીને ચોરી કરવા સુરત બોલાવ્યા હતા અને દિવસે દુકાનની રેકી કરી બાદમાં રાત્રે રમેશ, શૈતાનસીંગ અને જસારામે જઈ ચોરી કરી હતી. બાદમાં ચોરીનો માલ ભેરારામે પોતાના મામાના છોકરાને રાજસ્થાન વેચવા આપ્યો હતો જયારે કેટલોક માલ શૈતાનસીંગ લઈને ભાગી ગયો હતો. બાકીનો માલ લઈ ત્રણેય વતન ભાગી છૂટે તે પહેલા ક્રાઈમ બ્રાન્ચે ત્રણેયને ઝડપી લીધા હતા.

ઝડપાયેલા ત્રણેય રીઢા ગુનેગાર : રાજસ્થાન ઉપરાંત વાપી, ભરૂચ, પારડી, નવસારીમાં ગુના નોંધાયા છે

જસારામ ઉર્ફે જસરાજ રબારી વલસાડના પારડીમાં ચોરીના બે અને ભરૂચ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ચોરીના એક ગુનામાં, રાજસ્થાનમાં ચોરીના બે અને વાપી જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં પણ ચોરીના એક ગુનામાં તેમજ પારડી પોલીસ સ્ટેશનમાં લૂંટ વીથ આર્મ્સના ગુનામાં ઝડપાયો છે. નવસારીમાં બોલેરો પીકઅપ વાનની પણ ચોરી તેણે કરી હતી. મલાડમાં રહેતો રમેશકુમાર કુમાવત વાપી પોલીસ સ્ટેશનમાં મિત્રો સાથે લૂંટ વીથ આર્મ્સના ગુનામાં ઝડપાયો છે. ભેરારામ ઉર્ફે ભાવેશ સુરતના વરાછામાં આત્મહત્યાની દુષ્પ્રેરણાના ગુનામાં ઝડપાયો છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s