સુરત: અસલ સુરતી ટેસ્ટની ફરાળી વાનગી સાથે સુરતીઓના શ્રાવણના ઉપવાસ શરૂ


– શ્રાવણમાં સુરતીઓ આરોગશે દહી પેટીશ, સીંગ, આલુ ટીક્ટી અને બટાકા પુરી

– ફરાળી ચેવડો, ફરાળી પેટીસ અને વેફર સાથે વેપારીઓ હવે ચટાકેદાર ફરાળી વાનગીઓ બનાવતાં થયાં 

સુરત,તા.9 ઓગષ્ટ 2021,સોમવાર 

આજથી શરૂ થતાં પવિત્ર શ્રાવણ માસમાં ઉપવાસીઓ માટે ફરસાણના બજારમાં નિત નવા ફરાળી ફરસાણ જોવા મળી રહ્યાં છે. સુરતીઓ ભવે ઉપવાસ કરે પરંતુ ફરાળમાં સુરતી ટેસ્ટનો આગ્રહ રાખી રહ્યાં છે. સુરતીઓના જીભના ચટાકાના કારણે સુરતના બજારમાં આ શ્રાવણમાં દહી પેટીશ, શીંગ- આલુ ટીક્કી ઉપરાંત  ફરાળી બટાકાપુરી જેવી ફરાળી વાનગીઓ ફરસાણના બજારમાં આવી રહી છે. અસલ સુરતી ટેસ્ટની ફરાળી વાનગીઓ સાથે સુરતીઓએ શ્રાવણ માસના ઉપવાસ શરૂ કર્યા છે.  સુરતીઓ ટેસ્ટના શોખીન હોવાથી શ્રાવણ માસમાં ફરસાણના વેપારીઓને  તડાકો થઈ રહ્યો છે.

શ્રાવણ માસની શરૂઆત સાથે જ અનેક હિન્દુ શ્રધ્ધાળુઓ ઉપવાસ કરતાં હોય છે એનક શ્રધ્ધાળુઓ નકોરડા કે એક સમય ખાઈને ઉપવાસ કરે છે. પરંતુ હાલના ફાસ્ટ સમયમાં અનેક લોકો ઉપવાસ કરે છે પરંતુ ફરાળી વાનગી આરોગીને ઉપવાસ કરી રહ્યાં છે. પહેલાના સમયમાં ફરાળી વાનગીમાં મીઠો ચેવડો અને ફરાળી પેટીસ જ મળતાં હતા. પરંતુ હવે સુરતી શ્રધ્ધાળુઓ અસલ સુરતી સ્ટાઈલમાં ફરાળી વાનગી આરોગીને શ્રાવણ માસના ઉપવાસ કરી રહ્યાં છે.  ઉપવાસીઓને સુરતી ચટાકેદાર ટેસ્ટમાં વાનગીઓ જોઈતી હોય ફરસાણના વેપારીઓ જાત જાતની ફરાળી વાનગી બનાવી રહ્યાં છે.

વરાછા હીરાબાગ વિસ્તારમાં ફરસાણની દુકાન ધરાવતાં દેવાંગ પટેલ- નવરંગ કહે છે, અમારે ત્યાં દર વર્ષે ઉપવાસીઓની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને ફરાળી વાનગી બનાવવામાં આવે છે. આ વર્ષે અમે દહી પેટીસ સાથે સાથે આલુ-સીંગ ટીક્કીનામની વાનગી ઉમેરી રહ્યાં છે. આ પહેલા અમારી દુકાન પર કાજુ પાન, કાજુ વડાં અને કાજુ કટલેસ બનતી હતી તે વાનગી સાથે નવી વાનગીઓને ઉમેરો સતત થઈ રહ્યો છે. સા સાથે ફરાળી તીખો-મોરો ચેવડો અને સાબુદાણાના વડાં અને પેટીસ તો હોય જ છે.

ચૌટા બજારમાં ફરસાણની દુકાન ધરાવતાં કૃણાલ ઠાકર કહે છે, અમારે ત્યાં ફરાળી પેટીસ, સાબુદાણા વડા અને ચેવડા સાથે સાથે રાજગરાની પુરી અને ફરાળી બટાકાનું શાક ઉપવાસીઓની પસંદ છે. આ સાથે ફરાળી ખીચડી, સિંગ બટાકા, સંગના લાડું ઉપરાંત તળેલા રતાળુ કંદનામની વાનગીઓનું વેચાણ થાય છે. આટલું જ નહીં પરંતુ હજી સુધી ફરાળી ભજીયા બન્યા નથી તેથી આ  વર્ષે અમે ફરાળી બટાકા પુરી બનાવવાનો વિચાર કર્યો છે એકાદ બે દિવસમાં ઉપવાસીઓ ફરાળી બટાકાની પુરી પણ આરોગી શકશે. અડાજણમાં દુકાન ધરાવતાં  પ્રહલાદ પટેલ કહે છે, અમારે ત્યાં ફરાળી પેટીસ સાથે સાથે વેફર અને બટાકાની ચિપ્સ સાથેનો ફરાળી ચેવડો બનાવીએ છીએ જેની  ગ્રાહકોની ડિમાન્ડ રહે છે. આમ સુરતીઓ શ્રાવણ માસના ઉપવાસ તો કરે છે પરંતુ તેમાં ફરાળ પણ અસલી સુરતી ટેસ્ટ સાથે જોડીને કરી રહ્યાં છે.  


ફરાળી વાનગી સાથે ચટણી પણ ફરાળી

સુરતમાં કોઈ પણ ફરસાણ હોય કે ખમણ  ચટણી વિના નાસ્તો અધુરો ગણાય છે શ્રાવણ માસમાં લોકો ઉપવાસ કરે છે અને જાત જાતની ફરાળી વાનગી આરોગે છે પરંતુ ગ્રાહકો ફરાળી ચટણીની ડિમાન્ડ કરતાં હોવાથી હવે સુરતમાં ફરાળી ચટણી પણ બની રહી છે.

આમ તો સુરતમાં બેસન અને ખમણના ભુકા સાથેની ચટણીની ભારે ડિમાન્ડ હોય છે પરંતુ શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં ફરાળી વાનગી સાથે ચટણીની ડિમાન્ડ થતાં વેપારીઓ ચટણી પણ બનાવતાં થયાં છે. જે લોકો ફેન્સી ફરાળી વાનગીનું વેચાણ કરે છે તે વેપારીઓ હવે ફરાળી ચટણી પણ બનાવી રહ્યા છે. સીંગ દાણાના બેઝ સાથે લીલા ધાણા, કોપરૂ અને સિંઘવ મીઠાનો ઉપયોગ કરીને  ચટણી બનાવીને ગ્રાહકોને ફરાળીવાનગી સાથે પીરસી રહ્યાં છે તેની ડિમાન્ડમાં પણ વધારો થયો છે.  


સુરતના બજારમાં ફરાળી ભેળનું પણ વેચાણ

 શ્રાવણ માસની શરૂઆત સાથે સાથે ફરાળી વાનગીના બજારમાં તો ગરમાટો આવી ગયો છે પરંતુ સુરતના બજારમાં ચોંકાવી દે તેવી એક ફરાળી વાનગી મળે છે તે ફરાળી ભેળ, સુરતના મોટા ભાગના વિસ્તારોમાં આમ તો ચટાકેદાર મમરા અને દાણાવાળી તીખી મીઠી ભેળનું વેચાણ બારેમાસ થાય છે પરંતુ તહેવારના દિવલોમાં આ લારીઓ પર ફરાળી ભેળનું પણ ધુમ વેચાણ થાય છે. મોરા દાણા અને ફરાળી ચેવડો અને મીઠા વિનાની તીખી ચટણી સાથેની ભેળ સુરતની અનેક લારીઓ પર મળી રહી છે ઉપવાસીઓ આ પ્રકારની ભેળ હોંશે હોંશે આરોગી રહ્યા ંછે. 

સિંગોડાનો લોટ મોંઘો થતાં ફરાળી ખમણ અને પાત્રા બજારમાંથી ગાયબ

શ્રાવણ માસની શરૂઆત સાથે ફરાળી ફરસાણની બોલબાલા હોય છે ગત વર્ષ સુધી સુરતના ફરસાણ બજારમાં ફરાળી ખમણ અને ફરાળી પાત્રાની ડિમાન્ડ ઘણી હતી પરંતુ આ વર્ષે શ્રાવણ માસ દરમિયાન ફરાળી પાત્રા અને ફરાળી ખમણ જોવા મળશે નહીં.  ફરાળી પાત્રા અને ખમણનો બેઝ સિંગોડાનો લોટ હોય છે  આ વખતે સિંગોડાનો લોટ 280થી 290 રૂપિયે કિલો થઈ ગયો છે તેના કારણે ખમણ અને પાત્રા જો વેપારીઓ બનાવે તો ઉંચા ભાવે વેચવા પડે તેમ છે તેના કારણે વેપારીઓએ ફરાળી ખમણ અને પાત્રા બનાવવાનું બંધ કર્યુ છે. 


આ  પ્રકારની ફરાળી વાનગીઓનું વેચાણ

ફરાળી ભેળ, દહી  પેટીસ, આલુ- સિંગ ટીક્કી, ફરાળી ચેવડો ( તીખો- મીઠો), ફરાળી પેટીસ, સાબુદાણાના વડાં, સાબુદાણાની ખીચડી, બટાકાનું શાક રાજગરાની પુરી, સિંગનો મૈસુર, સિંગના લાડુ, સિંગ- આલુ ટીક્કી, રતાળુ કંદ, શક્કરિયા કંદ, કાજુ કટલે, કાજુ વડાં, કાજુ પાન ફરાળી ખમણ અને ફરાળી પાત્રીનું પણ વેચાણ થાય છે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s