મોબાઈલ એસેસરીઝનાં વેપારીને રૂ.4.11 લાખનો ચુનો લગાવીને હમવતની શખશ ફરાર

સુરત, 10 જુલાઇ 2021 શનિવાર

સુરત રેલવે સ્ટેશન નજીક પોતાની દુકાનની બાજુમાં જ મોબાઇલ એસેસરીઝની દુકાન શરૂ કરનાર રાજસ્થાની યુવાનને ગોડાદરાના રાજસ્થાની મોબાઈલ એસેસરીઝના વેપારીએ ઉધારમાં રૂ.4.66 લાખનો સામાન આપ્યો હતો. પરંતુ કોરોનાને લીધે વતન ગયા બાદ સુરત પરત ફરી બીજે દુકાન શરૂ કરવાનું કહી હમવતની બાકી રૂ.4.11 લાખ ચૂકવ્યા વિના વતન ભાગી ગયો હતો. દુકાન શરૂ કરી તે સમયે તેને મદદ કરવા ભલામણ કરનાર હમવતનીના પિતાએ પેમેન્ટ બાબતે હાથ ઊંચા કરી દેતા છેવટે ભોગ બનનાર વેપારીએ મહિધરપુરા પોલીસ મથકમાં પિતા-પુત્ર વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના ઝાલોરના ભિન્નમાલના વતની અને સુરતમાં ગોડાદરા નહેર વ્રજધામ સોસાયટી ઘર નં.224 માં રહેતા 38 વર્ષીય કિશનભાઈ સાકલારામ માળી સુરત રેલવે સ્ટેશનની સામે ઇન્ફીનીટી ટાવર મોબાઈલ માર્કેટમાં શ્રી સુન્ધાના નામે મોબાઈલ એસેસરીઝનો વેપાર કરે છે. બે વર્ષ અગાઉ તેમની દુકાનની બાજુમાં તેમના ગામની બાજુના ગામ બાગોડાના અનિલ પિતાંબર મહેશ્વરીએ મહેશ્વરી મોબાઇલ એસેસરીઝના નામે દુકાન શરૂ કરતા તેમની ઓળખાણ થઈ હતી. થોડા દિવસો બાદ તેના પિતા દુકાને આવ્યા હતા અને મારો દિકરો હાલ નવો વેપાર કરે છે, તમે બાજુના ગામના છો તેને મદદ કરજો, રૂપિયા-નાણાંકીય લેવડદેવડનો પ્રશ્ન ઉભો થાય તો હું બેઠો છું તેમ કહ્યું હતું.

આથી કિશનભાઈએ તેને 26 ઓક્ટોબર 2019 થી તેને ઉધારમાં કુલ રૂ.4,66,138 નો સામાન આપ્યો હતો. તેની સામે અનિલે રૂ.55 હજાર ચૂકવ્યા હતા. જોકે, કોરોનાને લીધે લોકડાઉન થતા તે વતન ચાલ્યો ગયો હતો. બાદમાં જૂન મહિનામાં તે વતનથી પરત ફર્યો ત્યારે તેણે અહીં દુકાન ચાલતી નથી, ભાડું મોંઘુ પડે છે. હું બોમ્બે માર્કેટમાં નવી દુકાન શરૂ કરું છું, ત્યાં ભાડું ઓછું છે કહી બે મહિનામાં બાકી પેમેન્ટ ચૂકવવાનો પણ તેણે વાયદો કર્યો હતો. અનિલે નવી દુકાન શરૂ કર્યાના 15 દિવસ બાદ કિશનભાઈ બોમ્બે માર્કેટમાં તેની દુકાને ગયા તો ત્યાં કોઈ બીજાએ દુકાન ચાલુ કરી હતી. તેને પૂછતાં જાણવા મળ્યું હતું કે અનિલ દુકાન શરૂ કર્યાના 15 દિવસમાં જ બધો સામાન લઈ વતન ચાલ્યો ગયો છે.

કિશનભાઈએ તેને ફોન કરતા તેણે ફોન ઉપાડયો નહોતો. આથી તેના ગામ જઈ તપાસ કરી તો અનિલ મળ્યો નહોતો અને તેના પિતાને બાકી પેમેન્ટ અંગે કહેતા તેમણે હાથ ઊંચા કરી કહી દીધું હતું કે મારે દિકરા સાથે કોઈ સંબંધ નથી, તમે જાણો ને મારો દિકરો જાણે. આ અંગે છેવટે કિશનભાઈએ ગતરોજ પિતા-પુત્ર વિરુદ્ધ મહિધરપુરા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s